ODI Rankings : રોહિતે બાબરને પછાડ્યો, 156 દિવસ સુધી એક પણ મેચ ના રમ્યો છતાં ODI રેન્કિંગમાં દબદબો
ICC ODI Rankings : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ICCની નવી ODI રેન્કિંગમાં બાબર આઝમને પાછળ છોડી દીધો છે, જોકે તે છેલ્લે 156 દિવસ પહેલા મેદાન પર જોવા મળ્યો હતો. તેમ છતાં રેન્કિંગમાં તેનો દબદબો જોવા મળ્યો છે.
Trending Photos
ICC ODI Rankings : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ખેલાડીઓના રેન્કિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મેદાન પર પગ મૂક્યા વિના જ પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ 9 માર્ચ 2025ના રોજ ન્યૂઝીલેન્ડ સામે પોતાની છેલ્લી વનડે રમી હતી, જ્યારે બાબર આઝમ વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે શ્રેણીની બધી 3 મેચમાં સામેલ હતો જે આજે સમાપ્ત થઈ હતી. રોહિત શર્મા નવી રેન્કિંગમાં નંબર-2 પર છે, જ્યારે બાબર આઝમ ત્રીજા નંબર પર સરકી ગયો છે. ટીમ ઇન્ડિયાનો યુવા બેટ્સમેન શુભમન ગિલ ટોપ પર છે.
રોહિત શર્માએ ODI રેન્કિંગમાં બાબર આઝમને પછાડ્યો
બાબર આઝમ વેસ્ટ ઇન્ડીઝ સામે ખરાબ રીતે નિષ્ફળ ગયો. તેણે 3 ઇનિંગ્સમાં ફક્ત 56 રન બનાવ્યા. આ કારણે તેને મોટું નુકસાન થયું છે, જ્યારે રોહિત શર્મા તેનાથી થોડા પોઇન્ટ પાછળ હતો. તેથી જ્યારે બાબરને નુકસાન થયું, ત્યારે રોહિત શર્મા રેન્કિંગમાં ઉપર ગયો. રોહિત શર્માના 756 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે બાબર આઝમના 751 રેટિંગ પોઈન્ટ છે. બીજી તરફ શુભમન ગિલ 784 પોઈન્ટ સાથે રેન્કિંગમાં નંબર વન છે.
વિરાટ કોહલી ચોથા ક્રમે
વિરાટ કોહલી યાદીમાં ચોથા ક્રમે છે, જે રોહિત શર્માની જેમ લાંબા સમયથી મેદાનથી દૂર છે. તેના 736 પોઈન્ટ છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ 5મા ક્રમે, શ્રીલંકાનો ચારિથ અસલાંકા 6ઠ્ઠા ક્રમે અને હેરી ટેક્ટર 7મા ક્રમે છે. શ્રેયસ ઐયર 8મા ક્રમે અને અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન 9મા ક્રમે છે. કુસલ મેન્ડિસ 10મા ક્રમે છે. આ રીતે ટોપ-10માં 4 ભારતીય અને 2 શ્રીલંકાના ખેલાડીઓ છે, જ્યારે પાકિસ્તાનનો માત્ર એક ખેલાડી છે.
ટોપ-10માં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકાનો એક પણ ખેલાડી નથી
યાદી મુજબ, ટોપ-10માં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો કોઈ ખેલાડી નથી. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ 12મા ક્રમે, દક્ષિણ આફ્રિકાનો રાસી વાન ડેર ડુસેન 14મા ક્રમે અને ઈંગ્લેન્ડનો બેન ડકેટ 16મા ક્રમે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે