શું ફરી શરૂ થશે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ? રાજ્ય સરકારે આપ્યો જવાબ
રાજ્યસભામાં આ પ્રોજેક્ટ સંદર્ભે ફક્ત જવાબ આપવામાં આવ્યો છે , કોઇપણ નવો DPR(ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ) રજૂ કરાયો નથી. પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સંદર્ભે વર્ષ-2017માં બનેલા DPR બાદ નવો કોઇપણ DPR બન્યો નથી કે ક્યાંય રજૂ થયો નથી.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલ નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડિખમ છે.
તેમણે આ યોજના સંદર્ભેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ વર્ષ 1980માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ વર્ષ 2011માં આ પ્રોજેક્ટને ફરીથી તત્કાલીન કેન્દ્ર સરકારના વડાપ્રધાન સ્વ. મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ - 2017માં આ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ DPR સંબંધિત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટને સ્થગિત કરવા અંગેની જાહેરાત વર્ષ-2022 માં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર.પાટીલ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજદિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને લઇને કોઇપણ મુવમેન્ટ કરાઇ નહીં.
તાજેતરમાં રાજ્ય સભામાં 10 ફેબ્રુઆરી 2025 અને 27 જુલાઈ 2025ના રોજ પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં આ પ્રોજેક્ટ સંદર્ભેના DPRનો જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રોજેક્ટનો DPR ક્યારેય વૈધાનિક સંસ્થા એટલે કે લોકસભા, રાજ્યસભા કે વિધાનસભામાં રજૂ કરાતો નથી તે હંમેશા સંબંધિત મંત્રાલયમાં જ રજૂ કરાય છે.
રાજ્યસભામાં જે DPRનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ વર્ષ-2017 નો જ છે અને વર્ષ 2017 પછી કોઇપણ નવો DPR જાહેર કરાયો નથી.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ 10મી ઑગસ્ટના દિવસે સ્પષ્ટપણે જાહેર કર્યું કે, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઇ ઉદ્દેશ્ય નથી.
ગુજરાત સરકારે પણ કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટને આગળ ન વધારીને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2022 માં આ પ્રોજેક્ટને સ્થગિત કરવાના નિર્ણય પર આજે પણ સરકાર અડગ છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, વિપક્ષે આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને પોતાના રાજકીય હિત માટે ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવા જોઇએ નહી. ગુજરાત સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે હંમેશા કટિબધ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે