વચેટિયાઓ ખાતા હતા બધી મલાઈ, 77 વર્ષ પહેલા આ વ્યક્તિએ Amul ની કરી શરૂઆત, હવે 80 હજાર કરોડનું ટર્નઓવર

Who is Tribhuvan Das Patel: અમિત શાહે બુધવારે લોકસભામાં ત્રિભુવનદાસ પટેલનો વારંવાર ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત તેમના નામ પર સહકારી વિશ્વવિદ્યાલય બનાવવા માટે બિલ પણ રજૂ કર્યું અને ત્યારબાદ વિપક્ષના ભવાં ચડી ગયા હતા. ખાસ જાણો આ ત્રિભુવનદાસ પટેલ વિશે....

વચેટિયાઓ ખાતા હતા બધી મલાઈ, 77 વર્ષ પહેલા આ વ્યક્તિએ Amul ની કરી શરૂઆત, હવે 80 હજાર કરોડનું ટર્નઓવર

Tribhuvan Das Patel Story: બુધવારે લોકસભામાં જ્યારે ગૃહમંત્રી અમિત શાહ બોલી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના ભાષણમાં એક નામનો વારંવાર ઉલ્લેખ કર્યો. માત્ર નામ લીધુ એવું નહીં પરંતુ તેમણે તેમના નામ પર સહકારી વિશ્વવિદ્યાલય બિલ પણ રજૂ કર્યું. આ નામ હતું ત્રિભુવનદાસ પટેલનું. જેમના નામ પર સહકારી વિશ્વવિદ્યાલય બનાવવા માટે બિલ રજૂ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં સહકારિતા બિલ રજૂ કર્યું. બિલમાં નેશનલ સહકારિતા વિશ્વવિદ્યાલયનું નામ ત્રિભુવનદાસ રાખવામાં આવ્યું. આ નામ અંગે વિપક્ષે આપત્તિ જતાવી, ત્યારબાદ અમિત શાહે જણાવ્યું કે શાં માટે આ સહકારી વિશ્વવિદ્યાલયનું નામ ત્રિભુવનદાસ સહકારી વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું. જેમના નામ પર આટલી ચર્ચા થઈ, જેમના નામ પર યુનિવર્સિટી શરૂ થઈ રહી છે, આખરે કોણ છે એ ત્રિભુવનદાસ કેશુભાઈ પટેલ? ડેરી કંપની અમૂલ સાથે તેમને શો નાતો છે?

કોણ છે ત્રિભુવનદાસ પટેલ?
1940નો એ દોર ખેડૂતો અને પશુપાલકો માટે સૌથી ખરાબ સમય હતો. એક બાજુ બ્રિટિશ કંપની પોલસન ગુજરાતમાં ખેડૂતો પાસેથી સસ્તામાં દૂધ ખરીદીને મનમાની કરતી હતી ત્યારે બીજી બાજુ વચેટિયાઓ નફાવસુલી કરતા હતા. અસહાય થઈને પશુપાલકોએ કિસાન નેતા ત્રિભુવનદાસ પટેલ સાથે મુલાકાત કરી. ખેડૂતોની પરેશાની લઈને તેઓ સરદાર વલ્લભાઈ પટેલને મળ્યા. તેમણે સમસ્યાના સમાધાન માટે મોરારજી દેસાઈને ગુજરાત મોકલ્યા. ત્યારબાદ 1946માં અમદાવાદ નજીક આણંદમાં ખેડા જિલ્લા સહકારી સમિતિની રચના કરાઈ અને અહીંથી અમૂલની શરૂઆત થઈ. 

ગામડાઓથી શરૂઆત, હવે દુનિયાભરમાં રાજ
1946માં ગુજરાતના આણંદમાં ત્રિભુવનદાસ પટેલે ખેડા જિલ્લા સહકારી દુગ્ધ ઉત્પાદન સંઘની સ્થાપના કરી. શરૂઆતમાં અમૂલ ફક્ત 247 લીટર દૂધ સાથે બે ગામમાં શરૂ થયું હતું. તેમણે પ્રોડક્શન વધારવા માટે ડો. વર્ગીસ કુરિયનને સામેલ કર્યા અને તેમને ટેક્નોલોજી અને માર્કિટિંગની જવાબદારીઓ સોપી. તેમણે દૂધના ભાવ, દૂધ અને તેના ફેટ પ્રમાણે નક્કી કર્યા. બે ગામના ખેડૂતો સાથે શરૂ થયેલું અમૂલ બે વર્ષની અંદર 432 ગામ સુધી પહોંચી ગયું. 

કેવી રીતે મળ્યું અમૂલ નામ
ત્રિભુવનદાસ પટેલ અને ડો. વર્ગીસ સહકારી સંઘને એવું નામ આપવા માંગતા હતા જે સરળતાથી લોકોને મોઢે ચડી જાય. આથી સાથે કામ કરતા ખેડૂતોએ અમૂલ્ય નામ સૂચવ્યું. ત્યારબાદ આ અમૂલ્ય નામ અમૂલ બની ગયું. અમૂલનું આખું નામ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે. સફર શરૂ થઈ ગઈ હતી. પરંતુ તેમની સામે સૌથી મોટો પડકાર હતો પોલસન ડેરીનો. 

અમૂલ ગર્લનો જન્મ
હકીકતમાં 60ના દાયકામાં પોલસનના બજેટ ખુબ મશહૂર હતા. અમૂલે તેને માત આપવા માટે જાહેરાતનો સહારો લેવો પડ્યો. તેમણે જાહેરાત માટે સિલ્વેસ્ટર ડી કુન્હાની મદદથી અમૂલ ગર્લને ડિઝાઈન કરી. અમૂલની utterly Butterly Delicious જાહેરાત એટલી ચાલી કે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા મળી. લોકોના મોઢે આ જાહેરાત ચડી ગઈ હતી. 

247 લીટરથી 2.63 કરોડ લીટર દૂધ સુધીની સફર
જે અમૂલની શરૂઆત એક સમયે 247 લીટર દૂધથી થઈ હતી, આજે તે દરરોજ 2.63 કરોડ લીટર દૂધનો કારોબાર કરે છે. તેમની સાથે કુલ 36.4 લાખ ખેડૂતો જોડાયા છે. કંપની દરરોજ લગભગ 150 કરોડ રૂપિયાની કમાણી કરે છે. જે સહકારી સમિતિ ગામડાઓ સુધી સિમિત હતી, તે હવે દુનિયાભરમાં પરચમ લહેરાવવા લાગી. જે ત્રિભુવનદાસ પટેલે વચેટિયાઓથી ખેડૂતોને, પશુપાલકોને બચાવવા માટે અમૂલનો પાયો નાખ્યો તેમણે દેશને દૂધ ઉત્પાદનમાં બળિયું બનાવ્યું અને સાથે સાથે દુનિયાભરમાં તેનો ડંકો વગાડ્યો. અમૂલ આજે 50થી વધુ દેશોમાં પોતાનો કારોબાર કરે છે. એકલા ભારતમાં જ તેના 7000 થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર છે. પાવરફૂલ બ્રાન્ડિંગના દમ પર અમૂલ આજે 80 હજાર કરોડનું ટર્નઓવર કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news