આ વર્ષનું ચોમાસું કેવું જશે? હોળીની જાળ જોઈને ગુજરાતના 5 મોટા આગાહીકારોએ કર્યો વરસાદનો વરતારો
Monsoon 2025 Prediction : હોળીનો તહેવાર માત્ર ઉજવણી અને ઉત્સવ જ નથી, પરંતું આગામી વર્ષે ચોમાસું કેવું જશે તેનો વરતારો કરવાની પ્રથા પણ છે... ત્યારે ગુજરાતના કેટલાક તજજ્ઞોએ હોળીની જાળ જોઈને ચોમાસાનું પૂર્વાનુમાન કર્યુ છે
Trending Photos
Weather Expert : હાલ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતા જ લોકોને ચોમાસાના આગમનની રાહ હોય છે. ત્યારે હોળી એ તહેવાર છે, જેને કારણે ચોમાસાની આગાહી થતી હોય છે. આજે પણ દેશમાં અનેક એવા એક્સપર્ટસ છે જેઓ હોળીની જ્વાળા પરથી ચોમાસાની આગાહી કરતા હોય છે. આ આગાહી સચોટ સાબિત થતી હોય છે. ત્યારે ગુજરાતમાં આવા અનુભવીઓ છે, જે વાતાવરણની સ્થિતિનું અવલોકન કરીને આગાહીઓ કરતા હોય છે. આવા જ કેટલાક તજજ્ઞોએ હોળીની જાળ પરથી આ વર્ષનું ચોમાસું કેવું જશે તેની આગાહી કરી છે. ત્યારે તેમની ભવિષ્યવાણીઓ શું છે તેના પર એક નજર કરીએ.
આગાહીકાર રમણીક વામજા
રમણીક વામજાએ સાંજના 7:00 વાગ્યાથી 96 મિનિટ સુધી હોળીના પવનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આગાહી કરી કે, આ સમયગાળા દરમિયાન પવનની દિશા પશ્ચિમથી પૂર્વ તરફથી અને ક્યારેક વાયવ્યથી અગ્નિ દિશા તરફની રહી છે. તેથી આ વખતે ચોમાસું સારું રહેશે. ખેડૂતો, પ્રજા અને રાજા માટે એકંદરે વર્ષ સારું રહેશે. મે મહિનામાં અતિશય ગરમીની સંભાવના છે. તાપમાન 46-47 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે. એપ્રિલ અને મે મહિનામાં 2-2 માવઠા થવાની પણ સંભાવના છે. 11 મેથી 20 મે દરમિયાન કૃતિકા નક્ષત્રમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. જયારે રોહિણી નક્ષત્રમાં ખૂબ જ ગરમી પડવાની સંભાવના છે. જેના કારણે 30 મેથી 2 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં તોફાની વરસાદની સંભાવના છે. આ વરસાદમાં કેટલાક વિસ્તારમાં વાવણી થઇ શકે છે. જામનગરમાં વધુ વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ હોવાથી વેપારીઓએ ભયંકર મંદીનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે સફેદ વસ્તુ મોંઘી રહેવાની સંભાવના છે.
આગાહીકાર મોહન દલસાણિયા
આગાહીકાર મોહન દલસાણિયાએ પણ હોળીના પવનનું પૂર્વાનુમાન કરતા કહ્યુ કે, ખરેખર હોળીના દિવસે જાળ નહીં પરંતુ પવન જોવાનો હોય છે. એ પણ હોળી પ્રગટ્યા બાદ નહીં પરંતુ સૂર્યાસ્ત બાદની 96 મિનિટ સુધી પવનની દિશા જોવાની હોય છે. તેમના મતે આ વખતે આ સમયગાળા દરમિયાન જૂનાગઢ અને જામનગર જિલ્લામાં હોળીનો પવન પશ્ચિમથી પૂર્વ તરફ રહ્યો, ભાવનગર જિલ્લામાં દક્ષિણથી ઉત્તર તરફ રહ્યો છે. આથી ચોમાસામાં વરસાદ સારો રહી શકે છે. આ વખતે કસ-કાતરા નબળા રહ્યા છે એટલું જ નહીં વનસ્પતિ પણ નકારાત્મકતા સૂચવી રહી છે. ખાખરામાં કેસૂડાના ફૂલ આવ્યા છે, પરંતુ તેમાં જોઈએ એટલા બીજ બંધાયા નથી, સરગવામાં ફૂલ આવે છે પરંતુ સીંગ બંધાતી નથી. દેશી બોરડીમાં આ વખતે બોર આવ્યા નથી. જે વનસ્પતિની નકારાત્મકતા દર્શાવે છે અને નબળા ચોમાસાના સંકેત આપે છે. બીજું મહત્વનું પરિબળ અખાત્રીજ છે. અખાત્રીજની વહેલી સવારનો પવન જોવામાં આવે છે, બપોરે 12 વાગ્યે સૂર્યનો પડછાયો જોવામાં આવે છે અને અખાત્રીજની સાંજે એક જગ્યાએથી બેસીને એવું પણ જોવામાં આવે છે કે સૂર્ય ક્યાં અસ્ત થાય છે. બાદમાં એ જ જગ્યાએથી એવું જોવામાં આવે છે કે ચંદ્ર ક્યાં અસ્ત થાય છે." મોહનભાઈના દાવા પ્રમાણે સૂર્ય અસ્ત જ્યાં થયો હોય તેનાથી ઉત્તરમાં ચંદ્ર જેટલો દૂર અસ્ત થાય એટલો વધુ વરસાદ ચોમાસામાં પડે છે. મોહનભાઈએ કહ્યું કે, "હવે લીમડામાં ફૂલ આવશે ત્યારબાદ તેમાં લીંબોળી કેટલી પાકે છે એના આધારે પણ વરસાદનું અનુમાન લગાવી શકાશે."
આગાહીકાર રજનીકાંત લાલાણી
ઉપલેટાના રજનીકાંત લાલાણીએ પણ હોળીની જાળ જોયા બાદ કહ્યું કે, “આ વખતે બાર આની ચોમાસું રહી શકે છે.” ઉપરાંત તેમણે કસ-કાતરાના આધારે નોંધેલા અનુમાન પ્રમાણે આખા સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ ભીમ અગિયારસ આસપાસ થઈ જશે. ત્યારબાદ અષાઢ મહિનામાં 10-15 દિવસ સારો વરસાદ પડવાનો છે. જેના કારણે નદી-નાળામાં નવા નીર આવી જશે. જોકે, શ્રાવણ મહિનો સંપૂર્ણપણે કોરો રહેવાની સંભાવના તેમણે દર્શાવી છે. ત્યારબાદ ભાદરવા મહિનાની દસમથી લઈને દશેરા સુધી ખૂબ સારા વરસાદના એંધાણ આપ્યાં છે. વનસ્પતિની ચેષ્ટા અંગે વાત કરતાં રજનીકાંત લાલાણીએ કહ્યું કે, "હંમેશા એવું થતું આવ્યું છે કે આગળનું ચોમાસું સારું હોય એ વર્ષે બોરડીમાં બોર આવતાં નથી. આ વખતે પણ ગયું ચોમાસું સારું હતું એટલે બોરડીમાં બોર આવ્યા નથી. એટલે એ બાબત ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી.”
આગાહીકાર નીલેશ વાલાણી
જૂનાગઢના નીલેશ વાલાણીએ હોળીની જાળ જોયા બાદ અનુમાન લગાવ્યું છે કે રાજ્યમાં ચોમાસું બાર આની રહેશે, એટલે કે સારો વરસાદ થઈ શકે છે. નીલેશ વાલાણીના અનુમાન પ્રમાણે હોળી પ્રાગટ્ય બાદ 96 મિનિટ સુધી પવન જોવાનો હોય છે. આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આ પવન પશ્ચિમ, ઉત્તર પશ્ચિમથી ફૂંકાયા છે, એટલે કે હોળીની જાળ પૂર્વ અને અગ્નિ તરફ ગઈ છે. જે સારા સંકેતો આપે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, "ચોમાસા પહેલાં સમુદ્રમાં વાવાઝોડું પણ સર્જાય એવા સંકેત મળ્યા છે. ઉપરાંત હોળીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો હતો. આથી દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે અતિવૃષ્ટિની પણ સંભાવના નકારી ન શકાય.
આગાહીકાર અંબાલાલ પટેલ
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે. તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, "આગામી ચોમાસું 8થી 10 આની રહેશે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે, જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે. 15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે, પરંતુ એપ્રિલ મહિનામાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે