ઉનાળામાં ગુજરાતમાં આફતનો વરસાદ, માવઠાને કારણે તૈયાર પાકનો નાશ, ખેડૂતો મુશ્કેલીમાં
Weather Update: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ભર ઉનાળે આવેલા વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે જુઓ રાજ્યમાં વરસાદને કારણે કઈ-કઈ જગ્યાએ નુકસાન થયું છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં તૈયાર પાકમાં નુકસાન ગયું...ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો...જુઓ અન્નદાતા પર આવેલી આફતનો આ અહેવાલ...
ગુજરાતમાં ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદે ધરતીપુત્રોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થયું છે. ભારે પવન સાથે આવેલા આ વરસાદે ખેડૂતોના આર્થિક આધારને ખોરવી નાખ્યો છે...ધરતીપુત્રોની કેવી માઠી દશા આવી તેની સાક્ષી આ દ્રશ્યો પુરી રહ્યા છે...
નવસારીમાં કેરી અને ડાંગરના પાકને 30થી 40 ટકા નુકસાન થયું છે. ખેડૂતોની આંખો સામે તેમની મહેનતનું ફળ બરબાદ થઈ ગયું..
મહેસાણામાં બાજરી, ઘઉં, જુવાર અને રજકો જેવા પાક જમીનદોસ્ત થઈ ગયા. માર્કેટ યાર્ડમાં પડેલી જણસ પણ પલળી જતાં ખેડૂતોનું નુકસાન બમણું થયું.
મધ્ય ગુજરાતના ખેડા અને મહીસાગરમાં ડાંગર, મકાઈ, કેરી, મગ, જુવાર અને કેળના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડામાં ડાંગર સાવ બગડી ગઈ તો પશુધન માટે ઘાસચારો પણ બચ્યો નથી...
ભારે પવન સાથે આવેલા આ કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર તરખાટ મચાવ્યો છે. ખેતરોમાં પાકનો સોળે કળા નીકળી ગયો, અને ખેડૂતો હવે રાતા પાણીએ રડવાની સ્થિતિમાં છે....આ દ્રશ્યો દ્વારકા જિલ્લાના છે. જ્યાં પવન સાથે ભારે વરસાદે બાજરી , તલ, મગ અડદ, સહિતના ઉભા પાકને તેમજ ખાસ કરીને શાકભાજીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું.
ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનના વળતરની માગણી કરી રહ્યા છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સરવે શરૂ કર્યો છે, અને ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાતની શક્યતા છે. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે, સહાયની રકમ તેમના નુકસાનની સામે નજીવી ન હોવી જોઈએ...ગુજરાતના ખેડૂતો માટે આ કમોસમી વરસાદ માત્ર કુદરતી આફત નથી, પરંતુ આર્થિક સંકટનું કારણ બન્યો છે. હવે સરકારની સહાય અને ઝડપી પગલાં જ ધરતીપુત્રોના ઘા પર મલમ લગાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે